ચોટીલામાં રોપ-વે નિર્માણના નિર્ણય બદલ મુખ્યમંત્રી રૂપાણીનો આભાર માની આશીર્વાદ આપતા ચામુંડા માતા મંદિરના પ્રમુખ-સંતઓ
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં લાખો-કરોડો ભક્તોને સરળતાથી ચામુંડા માતાના દર્શનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે રોપ-વે બનાવવાનો નિર્ણય માર્ચ-૨૦૨૧માં કર્યો હતો. આ નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ અમૃતગિરિ ગોસાઈ સહિત સંતો-અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત કરી આભાર માની આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે સંતોએ કહ્યું હતું કે, શ્રી ચામુંડા માતાજી – ચોટીલાના દર્શન માટે લાખો-કરોડો શ્રદ્ધાળુ- માઈ ભક્તો આવતા હોય છે, ત્યારે આ રોપ-વે શરૂ થવાથી નાના બાળકો અને વૃદ્ધો-વડીલો સહિત તમામને સરળતાથી માતાજીના દર્શનનો લાહવો મળશે.
આ મુલાકાત દરમિયાન શ્રી ચામુંડા માતાજીના મંત્રીઓ, સંતઓ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લાખો માઈ ભક્તો માતાજીના સરળતાથી દર્શન કરી શકે તે માટે ગુજરાતમાં અંબાજી, પાવાગઢ અને ગીરનારમાં રોપ-વેની સુવિધા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે હવે આગામી સમયમાં સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે પણ આધુનિક રોપ-વેનું નિર્માણ કરવામાં આવશે.
