માળીયામિંયાણાના છેવાડાના રણકાંઠે આવેલા મંદરકી ગામને ૧૦ દિવસથી પીવાનુ પાણી ન મળતા દેકારો બોલી ગયો છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી પાણી માટે વલખા મારતા ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ દિવસે પધારેલા માળીયા મામલતદારને અરજી આપી આ બાબતે વાકેફ કર્યા હતા. મંદરકી ગામ ૩૦૦ની વસ્તી સામે ૮૦૦ પશુ ધરાવતા ગામને દરરોજ ૧૦ હજાર લીટર પાણીની જરૂરિયાત સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીનુ ટીપુ ન મળતા દેકારો બોલી ગયો છે અને મંદરકી ગામના લોકોને એક બેડુ પાણી માટે ફાફા મારવા પડી રહ્યા છે જે ગામના લોકો અઠવાડીયાથી પીવાના પાણીથી વંચિત છે. જેથી એજન્સી મારફતે ટેન્કર દ્વારા પુરૂ પાડવામાં આવતુ પાણી છેલ્લા એક અઠવાડિયાથી ટેન્કર ન આવતા ગ્રામજનોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે અને સરપંચ દ્વારા પાણી પુરવઠા બોર્ડના અધિકારીને અરજી કરી એજન્સી દ્વારા ચલાવાતી લાલીયાવાડી બંધ કરી રેગ્યુલર પાણી આપવાની માંગ કરી છે.
મંદરકી ગામ રણકાંઠાના છેવાડાનુ એકલ દોકલ ગામ હોવાથી આસપાસ અન્ય કોઈ પાણીનો સ્ત્રોત ન હોય કેનાલ પણ બંધ હોવાથી ઉનાળો આખો પાણીનો પોકાર કરતા ગ્રામજનોને ટેન્કર ઉપર નિર્ભર રહી દિવસો પસાર કરે છે જે ગતિશીલ ગુજરાતના વિકાસશીલ રાજ્ય માટે શરમજનક બાબત છે તેમજ મતોનું રાજકારણ કરતા નેતાઓ પાણીની વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોને પાણીનુ નથી પુછતા તેવા નેતાઓ સામે પણ રોષ ભભૂકી રહ્યો છે.
મંદરકી ગામ રણકાંઠાના છેવાડા વિસ્તારમાં આવેલ ગામ હોય રણનો વેરાન વિસ્તાર નજીક હોય તાપમાનનો પારો ઉંચકવાથી અહીના લોકોને પાણીની માંગ વધુ હોય તેવામાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની તિવ્ર અછત ઉભી થતા નાના એવા ગામમાં દેકારો બોલી ગયો છે અને પાણીનો પોકાર કરતા ગ્રામજનો એક બેડા પાણી માટે વલખા મારી રહ્યા છે તેમજ પશુ તો જાણે વેરાન વગડામાં રહેતા હોય તેમ અવેડા ખાલીખમ હોવાથી બુંદ બુંદ પાણી માટે તરસ્યા દિવસો ગુજારી રહ્યા છે. જે તંત્ર માટે શરમજનક બાબત છે જેથી વહેલી તકે પાણીનો પ્રશ્ન હલ કરવા ગ્રામજનોની માંગ સાથે જવાબદાર અધિકારીઓ જાગે તે જરૂરી છે.