Sunday, May 4, 2025

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરો સાથે એક દિવસીય વર્કશોપ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ અને વિવાદ નહીં સંવાદના મંત્ર સાથે ચીફ ઓફિસરો લોક વિકાસ-લોક હિતના કામો કરે તે સમયની માંગ છે. નગરપાલિકાની તમામ સેવાઓ-મંજૂરીઓ ઓનલાઈન કરો જેથી કોઈએ કચેરીમાં આવવું જ ન પડે એટલે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા પારદર્શક અને ઝડપી સેવાઓ આપી શકાય.

મુખ્યમંત્રી  વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સાબરમતી હોલ, ગાંધીનગર ખાતે રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
તેમણે કહ્યું હતું કે, શહેરના લોકોની આકાંક્ષા, સપનાં, અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી આપણા શિરે છે. નગરપાલિકાઓના વિકાસ કામોનો મુખ્ય આધાર ચીફ ઓફિસરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. આપણે સાથે મળીને કામ કરીશું તો શહેરોનો સર્વાંગી વિકાસ થશે અને લોકોને ઉત્તમ સુવિધાઓ મળી રહેશે. હાલમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦-૫૦ ટકા વસ્તી વસવાટ કરતી હોઈ બંનેનો સંતુલિત વિકાસ ખૂબ જરૂરી છે. શહેરોના વિકાસના આધારે રાજ્યનો વિકાસ થશે.

તેમણે ઉમેર્યું હતું કે, આપણી બદલી માટે નહીં પણ બદલી રોકાવાની ભલામણ પ્રજામાંથી આવવી જોઈએ. કોઈના પણ દબાણમાં આવી ખોટા કામો કરતા નહીં પણ લોક વિકાસના કામો કરવા અગ્રેસર રહેવું પડશે. સારી કામગીરીના આધારે ચીફ ઓફિસરોને પ્રમોશન આપવાનું પણ સરકારમાં વિચારાધીન છે પણ લોકોની અપેક્ષાઓ પ્રમાણે વિકાસ કામો કરવામાં પાછીપાની કરી તો કાર્યવાહી કરવામાં પણ સરકાર ખચકાશે નહીં.


તેમણે જણાવ્યું હતું કે, અગાઉની કોંગ્રેસ સરકારમાં નગરપાલિકાના વિકાસ માટે એક પણ રૂપિયો અપાતો ન હતો, જ્યારે અમારી સરકારે વિકાસના કામો માટે પૂરતી માત્રામાં ગ્રાન્ટ આપી છે. નગરપાલિકાઓના વિકાસ માટે અમારી સરકાર હંમેશા કટિબદ્ધ છે. વર્તમાન સમયમાં સ્માર્ટ સિટી અને શહેરોના આધુનિકરણની દિશામાં કામ કરવું પડશે. અત્યારે નગરપાલિકાઓમાં ફ્લાય ઓવર કે ઓવરબ્રિજ બનાવવા માટે પણ રાજ્ય સરકાર ફંડ આપે છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ચીફ ઓફિસરો પોતાની જવાબદારી સમજીને સાઈટ વિઝીટ કરવાનો હંમેશા આગ્રહ રાખશે તો જ સ્થળ ઉપર પ્રશ્નોનું નિરાકરણ આવશે.

આ ઉપરાંત નગરપાલિકાઓમાં સંયુક્ત પ્રયાસોથી ટેક્સની રિકવરી વધારવી પડશે તો વિકાસ કામોને વધુ વેગ મળશે. આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ‘નલ સે જલ’ અંતર્ગત પીવાના શુદ્ધ પાણીનું જોડાણ – આ ઉપરાંત ગટર, રસ્તા, વીજળી તેમજ STP અંતર્ગત શહેરોમાં રી-યુઝ વોટરનો સદુપયોગ કરવો પડશે. શહેરમાં ફાયર બ્રિગેડની સુવિધા વધુ પ્રભાવિ  બનાવવી પડશે. ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અને સોલિડ વેસ્ટનો સમયસર નિકાલ કરીને પર્યાવરણ બચાવવું પડશે.


તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાઓ મહત્તમ સોલરનો ઉપયોગ કરીને વીજ બિલનું ભારણ ઘટાડવું પડશે. આપણા શહેરમાં ૫૦ ટકા સોલર અને ૫૦ ટકા જી.ઈ.બી.ની વીજળીનો વપરાશ થાય તે દિશામાં કામ કરવું પડશે. રાજ્યના હેરિટેઝ-પ્રવાસન અને ઐતિહાસિક ધરોહર ધરાવતા શહેરો ઉપર અલગથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આવા શહેરોમાં તેમના માળખાને અનુરૂપ વિકાસ કામો કરવા પડશે. શહેરોના વિકાસ મોડલ ઉપર રાજ્યનું વિકાસ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત થાય છે. આપણા શહેરને આદર્શ શહેર બનાવવા આપણે તમામ પ્રયાસો કરવા પડશે.


તેમણે કહ્યું હતું કે, રાજ્યના ચીફ ઓફિસરો વિવિધ સંસ્થાઓના સહયોગથી પોતાના શહેરને ગ્રીન સિટી બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા “માદરે વતન યોજના”ને વધુ અસરકારક બનાવીને દાતાઓ દ્વારા શહેરોના વિકાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવશે. સુખી-સંપન્ન લોકો પોતાના શહેરના વિકાસ માટે દાન આપે તે દિશામાં આપણે સંકલિત પ્રયાસો કરવા પડશે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ આદર્શ બને તે માટે રાજ્યના ચીફ ઓફિસરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે મળીને વિકાસ કામો કરવા પડશે તો જ ગુજરાત ગુડ ગવર્નન્સની દિશામાં વધુ ઉત્તમ બનશે.


આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખ ભંડેરી, શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ  મુકેશ પૂરી, કમિશનર મ્યુનિસિપાલિટીઝ એન્ડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, અધિક કમિશનર અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના CEO બી. સી. પટણી, શહેરી વિકાસના ઉચ્ચ અધિકારીઓ, રિજીયોનલ કમિશનર સહિત રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરો એક દિવસીય વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,741

TRENDING NOW