Thursday, March 12, 2026

ક્રાંતિકારી સેનાની મહેનત અંતે રંગ લાવી: મોરબીમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

ક્રાંતિકારી સેનાની મહેનત અંતે રંગ લાવી: મોરબીમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરાયું

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી: ભારત દેશને અંગ્રેજોથી આઝાદી અપાવવા ઘણા ક્રાંતિકારીઓએ પોતાના દેહનું બલિદાન આપ્યું હતું. તેમાંના એક ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરૂદ્ધ લડવા માટે જાપાનના સહાયતાથી આઝાદ હિન્દ ફોઝની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ “જય હિન્દ” નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. ત્યારે મોરબીમાં સરદાર બાગ સામે મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા ક્રાંતિકારી સેનાએ રજૂઆત કરી હતી. જ્યારે પ્રતિમા મુકવા બાબતે અમુક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. અને પ્રતિમા મુકવાના ચાલુ કામને રોકવા નગરપાલીકાએ ક્રાંતિકારી સેનાને જાણ કરી હતી. અંતે ક્રાંતિકારી સેનાની ૨ વર્ષની લડત બાદ મહેનત રંગ લાવી હતી.

વિગતે વાત કરીએ તો મોરબી ક્રાંતિકારી સેના દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૨૦થી મોરબી જિલ્લા કલેકટર, તે સમયના મોરબી-માળિયાના ધારાસભ્ય અને હાલના સાંસદ બ્રિજેશભાઈ મેરજા, ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, નગરપાલીકા સહિતને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ સ્કુલની સામે ખુલ્લી જગ્યામાં મુકવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મોરબી નગરપાલીકા કાઉન્સિલર ભાવિકભાઈ જારિયા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાના સમર્થનમાં આવ્યા હતા. અને ભાવિનભાઈએ ઓમ શાંતિ સ્કુલની સામે પ્રતિમા મુકવાથી શાળા-કોલેજમાં આવતા વિદ્યાથીઓ સુભાષચંદ્ર બોઝના આદર્શ વિચારોથી પ્રેરણા મેળવવા આતુર રહેશે. અને નેતાજીની પ્રતિમા સ્થાપિત કરવાથી મોરબી શહેરની સુંદરતાને ચાર ચાંદ લાગશે તેવી રજુઆત જનરલ બોર્ડની મિટિંગમાં કરી પ્રતિમાને મંજુરી આપવા રજુઆત કરી હતી.

જ્યારે તા.૩૦ માર્ચ ૨૦૨૧ના રોજ મોરબીની ઓમ શાંતિ સ્કૂલના મેદાનમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા અંગે ક્રાંતિકારી સેનાને મંજુરી મળી હતી. બીજી બાજુ પ્રતિમા મુકવા સામે અમુક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તે અંગેની ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે આરટીઆઇ કરતા ૫૩ જેટલા લોકોએ પ્રતિમાના વિરોધમાં સહીઓ કરી હતી. જ્યારે પ્રતિમાના વિરોધમાં સહીઓ કરનાર વ્યક્તિ અભણ હોવા છતાં અંગ્રેજીમાં સહીઓ કરી હોવાનું ચોંકાવનારી હકીક્ત સામે આવી હતી. ક્રાંતિકારી સેના દ્વારા પ્રતિમાના વિરોધમાં સહીઓ કરનાર લોકોને મળી ક્રાંતિકારી વિચારધારા અંગેની વાત કરતા તેમણે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનો કોઈ વિરોધ ન હોવાનું જણાવ્યું હતું.

તે બાદ ક્રાંતિકારી સેના દ્વારા ઓમ શાંતિ સ્કુલની સામે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાનું કામ શરૂ કર્યું હતું. જ્યારે નગરપાલીકાએ ફોન દ્વારા પ્રતિમાનું કામ અટકાવ્યું હતું. ક્રાંતિકારી સેના દ્વારા આ અંગે નગરપાલિકા ખાતે રૂબરૂ જઇ પ્રતિમા મુકવા અંગે કોઈ સ્થાનિક લોકોને સમસ્યા ન હોય પ્રતિમા મુકવા અંગે માંગ કરી હતી. અને નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તા.૧૪-૦૨‌-૨૦૨૨ના રોજ ક્રાંતિકારી સેનાને સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા અંગેની મંજુરી આપી હતી.

ત્યારે ક્રાંતિકારી સેનાની ૨ વર્ષની લડતની મહેનત રંગ લાવી હતી. અને મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન નિમિત્તે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ સ્કુલની સામે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી યોજાઈ હતી. જે મોરબીના આઝાદ પાર્કથી રેલી શરૂ કરી રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમાને પુષ્પ અર્પણ કરી સરદાર બાગની સામેના મેદાનમાં પુર્ણ થઇ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું નાની બાળાઓ તથા મધ્યમ વર્ગના પરિવારના હસ્તે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર કરી જયહિન્દના નાદ સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે આઝાદ રેલી આયોજન કરવાનો મુખ્ય હેતુ લોકોમાં દેશભક્તિ જાગે દેશ માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર ક્રાંતિકારીઓના બલિદાન વિશે માહિતી મળે તેમ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, યુવા આર્મી ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભગતસિંહ ક્રાંતિદળ અને મોરબીના દેશભક્ત લોકો તથા અગ્રણી અને મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,595,534

TRENDING NOW