દર્દીઓ માટેની આપ સૌની સેવા અભિનંદનને પાત્રઃ આપનુ મનોબળ ટકી રહે એવી પ્રભુ આપને શકિત અર્પે એ જ પ્રાર્થના
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાનાના કપરા કાળમાં રાજયના સૌ તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિત આરોગ્યકર્મીઓએ આપેલા યોગદાન અને સેવાને કોટી કોટી વંદન કરી તેમની સેવાઓને બિરદાવી અભિનંદન આપતા કહ્યુ કે, આપનુ મનોબળ ટકી રહે એ માટે રાજયના સવા છ કરોડ નાગરિકોના આશીર્વાદ અને શુભકામનાઓ આપ સૌની સાથે જ છે. અને આપને વધુને વધુ સેવા કરવાની પ્રભુ શકિત અર્પે એવી પ્રાર્થના પણ કરી છે.
મુખ્યમંત્રીએ આજે સોશ્યલ મિડીયાના માધ્યમથી આરોગ્ય કર્મીઓને સંબોધતા કહ્યુ હતું કે,આપ સૌ તબીબો અને પેરામેડીકલ સ્ટાફે સતત એક વર્ષથી આપના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત જે સેવા કરી છે એ એળે નહી જાય એવો મને દ્રઢ વિશ્વાસ છે.
તેમણે કોરોના વોરિયર્સને પ્રભુ સમાન ગણાવી ઉમેર્યુ કે, આ કપરા કાળમા રાજયના સૌ નાગરિકોએ આપને પ્રભુ સમાન ગણીને આપ સૌ પર જે વિશ્વાસ મૂક્યો છે, તેને આપ સુપેરે પાર પાડો એવી આપને પ્રભુ શકિત અર્પે. હવે કોરોનાથી મુકિત મેળવવા માટે આપણને વેકિસન રૂપી અમોધ શસ્ત્ર મળ્યુ છે; ત્યારે 45 વર્ષથી વધુ વયના સો નાગરિકો અચૂક વેકિસન લઈલે તે જરૂરી છે.
તેમણે ઉમેર્યુ કે, કોરોના સામે લડવા માટે સમગ્ર વહીવટીતંત્ર કમર કસીને આગળ વધી રહ્યુ છે, ત્યારે ”કોરોના હારશે અને ગુજરાત જીતશે” તવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો છે.