મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં સ્વાગત કરાશે
મોરબી: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કચ્છથી નીકળેલી બાઈક રેલીનું આવતી કાલે ગુરુવારે મોરબી જિલ્લામાં આગમન થનાર છે. આ બાઇક રેલીનું માળીયા, મોરબી અને ટંકારા એમ ત્રણ સ્થળે બાઈક રેલીનું જિલ્લા પોલીસ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાશે. આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ ખાસ ઉપસ્થિત રહીને બાઇક રેલીનું માળીયા ખાતે સ્વાગત કરશે.
ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે લખપત-પશ્ચિમ કચ્છથી કેવડિયા-નર્મદા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લખપતથી નીકળેલી આ બાઈક રેલી આવતીકાલે તા.૨૧ ઓક્ટોબરના ગુરુવારે મોરબી આવી પહોંચશે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ બાઈક રેલીનું તા.૨૧-૧૦ ના રોજ ગુરુવારે સવારે ૧૦ કલાકે માળીયા (મી)ની ગેલોપ્સ હોટલ ખાતે તેમજ બપોરે ૧.૩૦ કલાકે મોરબી એ.પી.એમ.સી. માર્કેટીંગ યાર્ડ ખાતે અને બપોરે ૩ કલાકે ગ્રીન વેલી ઇન્ટરનેશન સ્કૂલ, લજાઈ ચોકડી, ટંકારા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સમગ્ર સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના સંદીપસિંહ તેમજ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ અને જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા ઉપસ્થિત રહેશે.