મોરબી: એકના ડબલ કરવાની લોભામણી લાલચના રોજબરોજ બનાવો બનતા હોવા છતાં લોકો પોતાની જીવનની મરણ મૂડી ગુમાવતા હોય છે. ત્યારે આવા જ એક બનાવમાં કચ્છના યુવાનને એકના ડબલની લોભામણી લાલચ આપી માળીયા તાલુકાના ચાચાવદરડા ગામના પાટીયે બોલાવી ત્રણ શખ્સોએ એક લાખ છેતરપિંડી કરી પડાવી લીધા હોવાની માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ ભચાઉના નાની ચિરઇ ગોકુલનગરમાં રહેતા હરેશભાઇ સવાભાઇ બઢીયા(ઉ.વ.૪૦) ને નાની ચીરઇ ગામના જ આરોપી જુમાભાઇ અયુબભાઇ મુસ્લીમે એકના ડબલ પૈસા કરી આપવાની લોભામણી લાલચ આપી માળીયાના ચાચાવદર ગામના પાટીયે બોલાવી અન્ય આરોપી ગુલામ ઉમરભાઇ તથા વિરલભાઇ કે જેમના નામ સરનામાનો પતો નથી એવા આ ત્રણેય આરોપીઓએ ભેગામળી હરેશભાઇ પાસેથી એક લાખ રૂપિયા વિશ્વાસઘાત કરી પડાવી લીધા હતા.
માળીયાના ચાચાવદરડા ગામના પાટીયે બનેલા આ બનાવમાં ફરિયાદી હરેશભાઇને પોતે છેતરાયા હોવાની જાણ થતાં તુરંત જ માળીયા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.