ઇશરધામ ખાતે આઇ કરણીજી મહારાજ નુતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
ઇશરડાડાની કર્મભૂમિ ઇશરધામ ગામ ખાતે જગદંબા માં કરણી માતાજીનું સુંદર, ભવ્ય અને રમણીય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. માં ના નૂતન મંદિરમાં માતાજી, ગણપતિ, હનુમાનજીની નૂતન મૂર્તિઓની વૈદિક પ્રાણ પ્રતિષ્ઠા તેમજ હોમાત્મક ચંડીયજ્ઞનું આયોજન તા.૮ને શુક્રવાર થી તા.૧૦ને રવિવાર ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યજ્ઞ મહોત્સવના આચાર્ય જનક મહારાજ તેમજ તેમનું બ્રહ્મવૃદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપન્ન કરશે. ત્રિદિવસીય ચાલનાર આ પાવન ધર્મોત્સવમાં શ્રદ્ધાપૂર્વક સમુપસ્થિત રહી માં ના દર્શન અને પ્રસાદ ગ્રહણ કરી સહભાગી થવા કરણી મંદિર નિર્માણ સમિતિ ઇશરધામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ત્રિ દિવસીય ચાલનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા.૮ને શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે નગરયાત્રા, સાંજે ૫:૧૫ કલાકે હેમાદ્રી, ૬:૧૫ કલાકે યજ્ઞ શાળા પ્રવેશ, ૭ કલાકે ધા-યાધિવાસ યોજાશે. તેમજ તા.૯ને શનિવારના રોજ સવારે ૮ કલાકે જલયાત્રામાં ૧૦૮ કુમારી દ્વારા પવિત્ર જલ પધરાવવામાં આવશે. બાદમાં ૮ થી ૧૨ કલાક સુધી ગણેશ સહિત સર્વદેવ પૂજન મંદિર વાસ્તુ પૂજન કુંડ પૂજન અગ્નિ સ્થાપના ગ્રહશાંતિ યજ્ઞ ચંડીયજ્ઞ યોજાશે. સાંજે ૩ થી ૬:૩૦ કલાકે દાતાઓના હસ્તે મુર્તિઓનું મહાસ્નાન થશે. તથા પ્રધાન હોમ સાયંપૂજા સયાધિવાસનું આયોજન કરાયું છે.
તથા અંતિમ દિવસે તા.૧૦ને રવિવારના રોજ સવારે ૮ કલાકે મૂર્તિ જાગૃત ભાવના પ્રાત: પૂજન પ્રધાન હોમ, ૧૧ કલાકે મૂર્તિઓની શાસ્ત્રોક્ત મંત્રથી પ્રાણ પ્રતિષ્ઠા, ૧૧:૩૦ કલાકે મુર્તિનો જલધિવાસ પુષ્પધિવાસ ફલાધિવાસ વસ્ત્રાધિવાસ તેમજ બપોરે ૧૨:૩૦ કલાકે ષોઠશોપચાર પૂજા ગર્ભગૃહ પ્રવેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં આઇ દેવલમાં (બલીયાવડ), સંત પાલુ ભગત, અનુભા જામંગ (દેવિયાણ માહત્મ્ય) તથા મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલા, રાધવજીભાઈ પટેલ, સાસંદ રામભાઈ મોકરીયા, પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે.