આગામી 20મીથી 22મી સુધી નખત્રાણાના કોટડા જડોદર ગામે વિવિધ ધાર્મિક કાર્યક્રમો
શ્રીરામ 22મીએ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે પૂરાં ભારતવર્ષમાં અનેરો ઉત્સવ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે કચ્છના દરેક ગામમાં પણ શ્રીરામજીને વધાવવા અલગ અલગ પ્રકારની તૈયારીઓમાં લોકો વ્યસ્ત બન્યા છે. નખત્રાણા તા.ના કોટડા જડોદર ગામે શ્રીરામને વધાવવા તા. 20ના ગામના સમસ્ત મહિલા મંડળ દ્વારા ઉમિયાધામ અને શ્રીરામ મંદિરે અલગ અલગ કાર્યક્રમો યોજાશે, જેમાં તા. 20ના 1001 દીવડા (સાંજે)- સુંદરકાંડ, તા. 22ના હનુમાન ચાલીસા અને સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાશે.
જ્યારે તા. 22ના સવારે શ્રીરામ મંદિરે આરતી-પૂજન પૂજારી વિવેકભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાશે. બપોરે આરતી-પૂજન- બે વાગ્યે શોભાયાત્રામાં ગ્રામજનો જોડાશે. ત્યારબાદ મંદિરે મહાઆરતી યોજાશે. ગામના તમામ મંદિરો ફૂલોથી શણગારાશે તેમજ ત્રણેય દિવસ શ્રીરામના વધામણાં રૂપે ઘર ઘર પાંચ પાંચ દીવડા તેમજ શ્રીરામધૂન યોજાશે.
સાંજે મહાઆરતી બાદ સૂકા પ્રસાદનું વિતરણ કરાશે. મહિલા મંડળના છ ગ્રુપોમાં ગામની દરેક જ્ઞાતિની બહેનો દ્વારા સમગ્ર ત્રણ દિવસના કાર્યક્રમોમાં પૂરો સહયોગ અપાશે તેવું લોહાણા દરિયાસ્થાન ખાતે મળેલી મહિલા મંડળની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે તેવું લોહાણા મહિલા મંડળના પ્રમુખ અલ્કાબેન બારૂ, મનીષાબેન બારૂ, રેખાબેન ભગદે, દર્શનાબેન ઠક્કર તેમજ લોહાણા મહાજનના પ્રમુખ વિગ્નેશ દૈયા, દીપક મામા, રાજેશ બારૂ, સચિન દાવડાએ પણ સહયોગની ખાતરી આપી હતી. ઉત્સવને યાદગાર બનાવવા સમસ્ત ગ્રામજનો જોડાશે તેવું સંયુક્ત યાદીમાં મહિલા મંડળે જણાવ્યું હતું.