હળવદ ના નવા ધનાળા ગામની સીમમાં ટ્રક માંથી સળિયા ચોરી કરવાનો બનાવ, એલસીબી એ કરી રેઇડ.
હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર લોખંડના સળિયા ચોરવાના કારસ્તાન ઉપર મોરબી એલસીબી પોલીસે દરોડો પાડી ટ્રેલર તેમજ લોખંડનો જથ્થો ઝડપી પાડયો હતો.

ત્યારે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ-માળીયા હાઇ-વે પર રાત્રિના સમયે ટ્રકમાંથી ગેરકાયદેસર લોખંડ ચોરીનું કારસ્તાન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. ત્યારે ગત રાત્રિના મોરબી એલસીબી પોલીસે હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ ઇનોવિન મેટલ્સ એલ.એલ.પી કારખાનાની બાજુમાં અમુક શખ્સો ગેરકાયદેસર રીતે હાઇ-વે રોડ ઉપરથી લોખંડના સળિયા ભરી પસાર થતી ટ્રકના ડ્રાઈવરો સાથે સંપર્ક કરી ટ્રકમાંથી ગેરકાયદેસર સળિયા કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસની આ કાર્યવાહીમાં રાત્રિના અંધારાનો લાભ લઇ ટ્રેલર ડ્રાઇવર તેમજ લોખંડ ચોરી કરવા આવેલા શખ્સો નાસી છૂટયા હતા.મોરબી એલસીબી પોલીસે ઘટના સ્થળેથી અલગ અલગ સાઈઝના લોખંડના સળિયા કુલ વજન 41,790 કિલો,કિંમત રૂપિયા 22,95,150 તેમજ ટ્રેલર નંબર જીજે 12 બીવાય 2094 કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 32,95,150 નો મુદ્દામાલ કબજે લઈ હળવદ પોલીસ મથકે શકપડતી મિલકત તરીકે કલમ 102 મુજબ મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ આ કારસ્તાનમા સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા વધુ તપાસ મોરબી એલસીબીએ હાથ ધરી છે
