સૌરાષ્ટ્ર યુનિ.નાં શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રનાં ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે મેઘાણી લોકસાહિત્યનો એવોર્ડ લોકસાહિત્યનાં મહિલા મર્મજ્ઞ ડો. ઇન્દુબેન રામબાપુ પટેલને જ્યારે લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ કેશોદના મઘરવાડા સ્થિત લોકસાહિત્યકાર લાખણશીભાઇ ગઢવીને એનાયત કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. અગામી તા.૨૬ ફેબ્રુ.ને રવિવારે યુનિ. કેમ્પસ ખાતે સાંજે ૫ કલાકે માનસ મર્મજ્ઞ પૂ. મોરારીબાપુના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવશે.
રાજસ્થાનના કોટા સ્થિત લોકસાહિત્યના મર્મજ્ઞ મહિલા ડો. ઇન્દુબેન પટેલને મેઘાણી તથા કેશોદ પંથકના લાખણશીભાઇ ગઢવીને હેમુ ગઢવી એવોર્ડ અપાશે.સૌરાષ્ટ્ર યુનિ.માં ગુજરાતી ભવન ખાતે વર્ષ ૨૦૧૧ થી કાર્યરત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા દર વર્ષે લોકસાહિત્ય અને લોકગાયન ક્ષેત્રે સ્મ્રુત્ય પ્રદાનક૨ના૨ મહાનુભાવને રૂા. ૧ લાખનો એવોર્ડ આપી બહુમાન કરવામાં આવે છે. આ વર્ષે શ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે રાજસ્થાનના કોટામાં રહી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે સેવા આપી રહેલા ડો. ઇન્દુબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જર્મની, ઓસ્ટ્રેલિયા બ્રિટન, મોસ્કો, ફિન લેન્ડ સહિત્યનાં દેશોમાં પ્રેકટીસ કર્યા બાદ ઢળતી ઉંમરે રાજસ્થાનના કોટામાં મહિલાઓના તબીબ તરીકે કાર્ય કરી રહેલાં ડો. ઇન્દુબેને સૌરાષ્ટ્ર ગોહિલવાડ અને ભાલવિસ્તારના સંસ્કાર ગીતો અને બાળ કેળવણીના ગીતોનું ભગીરથ સંવાદન કાર્ય કર્યું છે.
જેમાંથી બે પુસ્તકને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ એનાયત થયો છે. ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય માટે પ્રતિષ્ઠીત કાગ એવોર્ડ સહિત લોક સાહિત્ય ક્ષેત્રમાં સંશોધન લક્ષી સ્વએવોર્ડ તેઓએ મેળવ્યા છે. એ જ રીતે જૂનાગઢના કેશોદ તાલુકાના મધરવાડા સ્થિત લોકવાર્તાકાર, લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના ઉત્તમ સર્જક એવા કવિ શ્રી લાખણશીભાઇ ગઢવીની હેમુ ગઢવી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેઓએ દેવી ભાગવત કથા અને રામ કથાની કથાનું રસ પાન કરાવવા ઉપરાંત નટવર સતસઇ નામે સાતસો દુહાનો ગ્રંથ તથા પરમેશ્વરી પરચીસી નામના પુસ્તકો આપ્યા છે. દુહા- છંદ, ગીતોની સાથે તેઓની માતાજીની સ્તુતિઓ ખુબ પ્રચલિત છે.





