શેર બજારમાં રોકાણ કરી નફો કમાવવાના સપના બતાવી છેતરપિંડી કરતા ત્રણ ઠગબાજ ઝડપાયા.
શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી રૂ.૪,૪૭,૧૫૦/- ની છેતરપીંડી કરતા ત્રણ આરોપીઓને મોરબી સાયબર કાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગત તા. ૦૪ ના રોજ કિશનભાઈ કાવર નામના અરજદારને વોટ્સએપ નંબર પરથી લીંક મોકલી વોટ્સએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલી હતી અને અરજદાર શેર બજારમાં રોકાણ કરતા હોય જેથી ચેટ દરમિયાન શેર બજારમાં રોકાણ કરવા માટે જણાવતા કિશનભાઈએ ઓનલાઈન શેરની લે વેચ કરવા માટે કુલ રૂ ૪,૪૭,૧૫૦ નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યું હતું બાદમાં ફરિયાદીએ કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવાનું જણાવતા આરોપીઓએ પૈસા પરત ના આપી છેતરપીંડી આચરી હોય જેથી અરજદારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ફરિયાદ નોંધાવી હતી
જેથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૨૦ (બી) અને આઈ.ટી. એક્ટ કલમ ૬૬ (ડી) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસ, પીએસઆઈ બી ડી ભટ્ટ, યુ એસ બારોટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી જેમાં આરોપી જગાભાઇ વહાભાઈ ભરવાડ, હરીશ ગોબરભાઈ ભરવાડ અને ગણેશ ગગન થાપા રહે બધા ફતેગંજ વડોદરા વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





