વાંકાનેર તાલુકના પીપરડી અને ખેરવા નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં માટીના બોયલર ફાટ્યું હતું. ઘટનાનો વિસ્ફોટ એટલો મોટો હતો કે ખેરવા ગામ સુધી સંભળાયો હતો. પ્રચંડ વિસ્ફોટમાં ફેકટરીમાં કામ કરતા શ્રમિકની લાશ ઉડીને અડધો કિલોમીટર દૂર પડી હતી. અને 20 જેટલા શ્રમિકોને ઇજાઓ થતા રાજકોટ અને વાંકાનેર સારવામાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પ્રચંડ વિસ્ફોટ સમયે ફેકટરીમાં 40 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતાં. જે પૈકી પાંચ શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા. અને અન્ય 20 શ્રમિકોને રાજકોટ અને વાંકાનેર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દેવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ થતા ફેકટરીમાં સંકુલ તહસ નહસ થઈ જવા પામ્યું છે.
આ બનાવના પગલે રાજકોટ ફાયર ફાયટરની ટિમ અને 108ની જુદી જુદી ચાર ટિમો પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. અને બોયલરમાં લાગેલી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકાના મામલતદાર હર્ષદ પરમાર સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે રાજકોટના એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ મહેશ વાળા સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.