રેતી માફીયાઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી.
રેત માફિયાઓ માટે સ્વર્ગ ગણાતા હળવદ પંથકમાં આજે મોડી સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમો ત્રાટકી હોવાનું અને ચાડધ્રા નજીકથી રેતી ચોરી કરતા સાતથી આઠ જેટલા હિટાચી મશીન અને અનેક આઈવા ડમ્પર ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.
ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં વર્ષોથી સફેદ સોના સમાન ભોગાવો રેતીની બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા અવાર નવાર દરોડા પાડવા છતાં રેતમાફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો મેસેજ અને જિલ્લા સેવાસદનમાં ખાણ ખાણીજ વિભાગની ટિમો ઉપર વોચ ગોઠવી ઊલટા ચોર કોટવાલકો દાંટે ઉક્તિ મુજબ ખુલ્લે આમ બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે આજે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ રેત માફિયાઓ ઉપર રીતસરની ધોસ બોલાવવામાં આવી હતી.
વધુમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજે મોડી સાંજ બાદ હળવદ તાલુકાના ચાડધ્રા નજીક દરોડા પાડવામાં આવ્યા હતા અને નદીના કોતરમાં રેતી ચોરી કરતા સાતથી આઠ જેટલા હિટાચી મશીન અને અનેક આઈવા ડમ્પર કબ્જે કરવામાં આવતા રેત માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચાલુ અઠવાડિયામાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી નજીક આવેલ આજી – 3 ડેમમાં કરવામાં આવતી રેતીચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું ત્યારે હળવદ પંથકમાં વર્ષોથી ઘુડખર અભયારણ્યમા ઘૂસણ ખોરી કરી કરવામાં આવતી રેતી ચોરી મામલે સપાટો બોલાવતા હાલ તુર્તતો રેતમાફિયાઓમાં સન્નાટો વ્યાપી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.