રામ રાજ્ય એટલે શું ?
વિશ્વનું શ્રેષ્ઠ ચરિત્ર જો કોઈ હોઈ તો એ છે મર્યાદા પુરુષોત્તમ “શ્રી રામ”, વિશ્વ માટે આદર્શ રાજ્ય વ્યવસ્થા એટલે “રામરાજ્ય” અને વિશ્વનું શ્રેષ્ઠ મહાકાવ્ય એટલે “રામાયણ”.
ભકતશિરોમણી અને પ્રતિભાના સાગર રહેવા એકનાથ સ્વામીને પણ એમ કહેવું પડ્યું છે કે રામાયણનો ભાવાર્થ ન થઈ શકે માત્ર ને માત્ર તેનો શબ્દાર્થ જ હું કરી શકું. આવું દિવ્ય , ભવ્ય અને શ્રેષ્ઠ મહાકાવ્ય એટલે રામાયણ.
રામાયણમાં રામનું ભગવાન તરીકે વર્ણન નથી થયું પરંતુ એક સામાન્ય નર માંથી નારાયણ બનેલા શ્રી રામનું વર્ણન છે. આમ વર્ષોથી રામાયણ વાંચીએ છીએ પણ રામના ગુણો એ ભગવાનના ગુણો છે એમ સમજી તેનું અનુકરણ કરવું એ આપણા માટે અશક્ય છે એમ માની છોડી દઈએ છીએ.
વાસ્તવિક જીવનમાં રામ એક આદર્શ નાગરિક, આદર્શ રાજા, આદર્શ પુત્ર, આદર્શ ભાઈ અને આદર્શ પતિ તરીકે સ્વીકારાયા છે. અને તે સમયના રામ રાજ્યની ઝંખના પણ આપણે કરી રહ્યા છીએ.
આજે ચારે બાજુ અનિતિ, અરાજકતા અને અંધકાર છવાયેલ છે, દેશના દરેક નાગરિક રામરાજ્યની કલ્પના કરી રહ્યા છે. તો પ્રશ્ન એ થાય છે કે, “રામ રાજ્યમાં એવું તે શું હતું?” અને “આજના રાજ્યમાં એવું તે શું ખૂટે છે?” – તે વિશે કલ્પના કરવી જ રહી.
પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી લેખિત વાલ્મિકી રામાયણમાં રામરાજ્ય વખતે જે વ્યવસ્થા હતી તેનું સુંદર ચિત્રણ કર્યું છે.
૧. રામકાલીન શાસન વ્યવસ્થા
૨. રામકાલીન અર્થ વ્યવસ્થા
૩. રામકાલીન સમાજ વ્યવસ્થા
૪. રામકાલીન કુટુંબ વ્યવસ્થા
૫. રામકાલીન શિક્ષણ વ્યવસ્થા
આ પાંચ વ્યવસ્થા રામરાજ્ય નિર્માણ માટે અગત્યની હતી.
૧. રામકાલીન શાસન વ્યવસ્થા
રામ રાજ્યમાં શાસન વ્યવસ્થા ખૂબ જ જબરદસ્ત હતી. રાજ્યના દરેક નાગરિક, દરેક વ્યક્તિ, પછી ભલે તે રાજા કે રાજકુમાર કેમ ન હોય, દરેકમાં સ્વધર્મ અને પોતાનામાં રહેલા નૈતિક મૂલ્યો લોહીમાં ભણેલા હતા.
સમાજ માનવતાના આદર્શ પર ચાલતો હતો. આવી રામકાલીન શાસન વ્યવસ્થા હતી. રામ રાજ્યનું બંધારણ ભલે અલેખીત હતું પરંતુ આ સમયે દરેક નાગરિક ઉત્કૃષ્ટ અને ચારિત્રવાન હતો. રામરાજ્યમાં નૈતિક મૂલ્યોનું વર્ચસ્વ અનેક ગણું હતું. રાજા થી માંડી પ્રજા સુધી ચારિત્રવાન અને મૂલ્યવાન હતા. ત્યારની સમાજ વ્યવસ્થા સુચારૂ હતી.
જેમ… સાગરને સાગરની ઉપમા આપી શકાય, ગગનને ગગન ની ઉપમા આપી શકાય, તેમ જ રામ રાજ્યને રામ રાજ્યની જ ઉપમા આપી શકાય.
૨. રામકાલીન અર્થ વ્યવસ્થા
રામાયણમાં એનું કંઈક વિશેષ છે કે જે આજના જડવાદી દેશો પણ તેનું સંશોધન કરી રહ્યા છે.
રામરાજ્યમાં અર્થવ્યવસ્થા એટલે માત્ર રોટલીનો વિચાર જ નહિ પરંતુ રામરાજ્યનો વિશિષ્ટ ધ્યેય માનવતાને આદર્શ જીવનમાં રાખીને લોકો સમતા અને મમતા થી કાર્ય કરતા. રામરાજ્ય માં અર્થવ્યવસ્થા માં પણ ધાર્મિકતા,નૈતિકતા અને જાતિ વ્યવસ્થા હતી. અને આ જાતિ વ્યવસ્થા આત્મવિશ્ર્વાસ ઉત્પન્ન કરતી. રામકાળ માં ધંધો જન્મથી જ નક્કી રહેતો. ધંધો મજૂરી કરવા માટે નહી પણ સેવા અને પરોપકાર કરવા માટેનો હતો.
-> અર્થવ્યવસ્થા નો આદર્શ ચાર વાત પર આધારિત હતો…
(૧) પ્રત્યેક વ્યક્તિને ધંધો મળવો જોઈએ.
(૨) જન્મજાતી તેમજ લાયકાત મુજબ ધંધો મળવો જોઈએ.
(૩) ધંધા માટે મફત શિક્ષણ વ્યવસ્થા હતી.
(૪) આવશ્યકતા પ્રમાણે ઉત્પાદન થતું.
આ ચારેય બાબત રામ રાજ્યમાં મૂર્તિમંત થઈ હતી. તેથી જ લોકોમાં નિશ્ચિતતા હતી. બીજી કોઈપણ રીતે અવ્યવસ્થા થવાનો સંભવ જ ન હતો, પ્રત્યેકને કામ કરવાનો હક અને પોતાના કાર્ય નો સંતોષ હતો.
રામકાલીન લોકો નિર્બળ ન હતા પરંતુ સ્વપરાક્રમ દ્વારા દ્રવ્ય મેળવતા હતા નિશ્ચિત મર્યાદા સુધી ભેગું કરતા હતા અને વધારતા રહેતા અને પછી બધી કમાણી સમાજ હિતના કાર્યોમાં વાપરતા હતા ટૂંકમાં અર્થશાસ્ત્રને શાસ્ત્ર બનાવવા માટે જે જે જોઈએ તે સર્વ રામકાળમાં હતું વ્યક્તિત્વ માં આત્મવિશ્વાસ ,ધંધાની નિશ્ચિતતા , વાસના ઉપર અંકુશ, સ્પર્ધાનું નિયંત્રણ ,યોજના, વિચારો આમ રામરાજ્યની અર્થવ્યવસ્થા દિવ્ય અને પવિત્ર હતી.
૩. રામકાલીન સમાજ વ્યવસ્થા
સમાજ એટલે એક જ સંસ્કૃતિનો એક જ વિચારના અને એક જ આચારના માણસોનો સમૂહ સમૂહમાં રહેવું એ માણસનો સ્વભાવ છે જો સમાજ વ્યવસ્થા યોગ્ય હોય તો પૃથ્વી નંદનવન સમી બનશે સમાજ વ્યવસ્થા જો અર્થપ્રધાન હોય તો લાંબો સમય સુધી ન ચાલે પણ સમાજ વ્યવસ્થા જો ધર્મપ્રધાન હોય એટલે જ્યાં જાતિ અને વર્ણ આશ્રમનો પૂર્ણ વિચાર છે તે વર્ણ આશ્રમ વ્યવસ્થા વિના જ સમાજ ટકી શકે નહીં રામકાર્ડમાં દરેક વ્યક્તિ પોત પોતાનો જ ધંધો કરતા હતા ગમે તેટલો મોટો ફાયદો થતો હોય તો પણ તેને બીજાની ધંધાદારીના પેટ પર મુકવાનો હક ન હતો. બીજાનો ધંધો કરનારને મોટો દંડ કરવામાં આવતો ધર્મપ્રધાન સમાજ વ્યવસ્થા હતી રામ રાજ્યમાં લોકોમાં કાયદાના વિચારો ન હતા પણ સ્વકર્તવ્ય નું ભાન હતું. હકો નું જ ભાન રાખવાથી સંઘર્ષ થાય છે પણ કર્તવ્યના જ્ઞાનથી સંવાદિતા આવે છે રામકાલીન સમાજ આવો અતિ ઉચ્ચ દ્રષ્ટિકોણ વાળો હતો
૪. રામકાલીન કુટુંબ વ્યવસ્થા
રામ રાજ્યમાં લોકો સુખી હતા તેનું કારણ ઉત્તમ કુટુંબ વ્યવસ્થા હતી. ઘર ઘરમાંથી શાંતિ અને સમાધાનના જ સુરો નીકળતા જોવા મળતા હતા. તે સમયે પ્રત્યેક કુટુંબ આદર્શ ગૃહસ્થાશ્રમ જ હતું. જાતિ ભેદ, વર્ગ ભેદ કે શ્રીમંત-ગરીબના ભેદ વિના તેમ જ વર્ગવિગ્રહ વિનાના કુટુંબો જોવા મળતા. દીકરાઓ શુદ્ધ બુદ્ધિના હતા., પત્ની મ્હેણું મારવા વાળી કે કટુ વચન બોલવા વાળી ન હતી, લૂંટવા વાળા કે સ્વાર્થી, લોભી મિત્રો ન હતા, આપત્તિમાં ખભા થી ખભો મેળવીને ઊભા રહેનાર સજ્જનો હતા. રામકાલીન ગૃહસ્થાશ્રમની સ્ત્રી આદર્શ સ્ત્રી હતી. આજના સમયમાં સ્ત્રીઓ પુરુષ સમાવડી બનવા ગૃહસ્થાશ્રમ નો દાંટ વાળી રહી છે. રામ રાજ્યમાં પણ ઋષિ વશિષ્ઠે રામના વનવાસ જવા પછી સીતાજીને રાજ્ય સંભાળવાની જવાબદારી આપવાની વાત કરી. ત્યારે પણ સ્ત્રીને સન્માન અને તમામ હક હતા. ‘અતિથિ દેવો ભવ’ ની ઉપાસના માટે જ કુટુંબ વ્યવસ્થા છે. રામકાળમાં “યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, રમંતે તત્ર દેવતા” : “જ્યાં સ્ત્રી સન્માન છે, ત્યાં દેવોના વાસ છે”, એમ લોકો માનતા. જેથી તે સ્ત્રીઓની ઉત્કૃષ્ટ અવસ્થા હતી. લગ્ન એ સુખાવસ્થા હતી. ટૂંકમાં રામાયણ એટલે ગૃહસ્થાશ્રમ.
૫. રામકાલીન શિક્ષણ વ્યવસ્થા
રામરાજ્યની સૌથી મહત્વની વ્યવસ્થા જો કોઈ હોય તો તે છે શિક્ષણ વ્યવસ્થા. રામકાળમાં પ્રાથમિક શિક્ષણ તો કુટુંબો દ્વારા જ મળતું હતું. આ શિક્ષણ બાળકના ભાવિ શિક્ષણનો પાયો બનતું. રામકાલીન સમયમાં તપોવન શિક્ષણ પણ હતું. જે શિક્ષણની માનવને સતત જરૂર પડે છે, તે બધું જ તપોવન શિક્ષણમાં આપવામાં આવતું હતું. ઋષિઓ એટલે બાવા નહીં પણ બાળકને શૂન્ય માંથી સક્ષમ બનાવનાર સિદ્ધ યોગી હતા. જ્ઞાનની મશાલ સમાજમાં જલતી રાખવા, પોતાના અનુભવોના નીચોડ રૂપી તેલ એમાં વાપરતા. આવા નિષ્ઠાવાન તત્વજ્ઞાનીઓ હતા.
તપોવનમાં શ્રીમંત અને ગરીબને સરખા રાખવામાં આવતા. તેમની સાથે નું વર્તન સમાન હતું. તેથી કોઈ કોઈનો દ્વેષ ન કરતું અને કોઈ પણ પ્રકારના વાદ આશ્રમમાં પ્રવેશવા પામ્યો ન હતો. રામરાજ્યમાં શિક્ષણ એટલે ‘education’ શબ્દનો અર્થ- ‘અવ્યક્ત અને સુષુપ્ત ગુણો અને શક્તિ જાગૃત કરવા જ્ઞાનનો આનંદ લેવો’ એવો હતો. બ્રહ્મચર્યનું પાલન કરતા.
રામકાળમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. આજના સુશિક્ષિત સ્ત્રી સમાજ કરતા તે વખતના સ્ત્રી સમાજનીતિની ભાવના અને સંસ્કારોમાં ખૂબ જ આગળ વધેલા હતા. નીતિ ભાવના વધે તેવું શિક્ષણ આપવામાં આવતુ હતું. તેમને શાસ્ત્રીય વિષયનું જ્ઞાન નહીં પણ કોમળપણું, પ્રેમ, માધુર્ય, ભક્તિ, વગેરે જેનાથી સમાજ ટકી રહે તેવું શિક્ષણ આપાતું. રામકાલીન સંસ્કૃતિ અદ્વિતીય અને ઓજસ્વી હતી. તેનું મૂળ કારણ પણ ત્યારની શિક્ષણ પદ્ધતિ હતી. આમ વ્યક્તિના ચારિત્ર્યવાન બન્યા સિવાય આપણે રામરાજ્ય લાવી જ ન શકીએ.
રામરાજ્યમાં દરેક વ્યવસ્થાનો આધાર શિક્ષણ ઉપર હતો. રામકાલીન સભ્યતા ટોચની હતી. સભ્યતાનાં મૂળનાં સ્તંભ સમાન ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર હતા. નાનપણમાં સંસ્કાર માટે શાલીન કુટુંબો, પછી આગળના અભ્યાસ માટે તપોવન અને છેલ્લે આજીવન અભ્યાસું જીવન ગાળવા મંદિરો ચાલતા. સમાજમાં પ્રેમ, તેજસ્વીત, નીતિમત્તા જેવા આદર્શો હતા. જો આપણે રામરાજ્યની કલ્પના કરીએ તો આ વ્યવસ્થાઓ ને સમજવી પડશે, અનુસરવી પડશે. તો જ રામરાજ્યની કલ્પનાને વાસ્તવિકતાનો ઓપ આપી શકશું.
જય શ્રી રામ
સોલંકી હેતલબેન કાંતિલાલ
શિક્ષક
શ્રી મેઘપર (ઝાલા) પ્રાથમિક શાળા
તાલુકો – ટંકારા
જીલ્લો – મોરબી