મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસમાં ભાવ વધ્યા બાદ હવે ગુજરાત ગેસે પણ ગેસના ભાવમાં વધારો કર્યો.
વિશ્વ વિખ્યાત એવા મોરબીના સિરામિક ઉદ્યોગોને વધુ એક માર પડ્યો છે. કારણકે અગાઉ પ્રોપેન ગેસમાં ભાવ વધારો થયા બાદ હવે ગુજરાત ગેસે પણ નેચરલ ગેસમાં રૂ.દોઢનો ભાવ વધારો કરી દેતા હવે ટાઇલ્સની કોસ્ટ ઉપર ભારણ વધવાનું છે.
વૈશ્વિક બજારમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પોતાના જોરે અનેક દેશોને ટક્કર આપી રહ્યું છે. ખાસ કરીને ચીનને પછાડવા અહીંનો ઉદ્યોગ કમરતોડ મહેનત કરી રહ્યો છે. તેવામાં એક બાદ એક સમસ્યા આ ઉદ્યોગને નંબર વન બનવા આડે રોડા નાખી રહી છે. અગાઉ પ્રોપેન ગેસ પ્રમાણમાં સસ્તો હોવાથી ઉદ્યોગો તેના વપરાશ તરફ વળ્યા હતા. જેના કારણે ગુજરાત ગેસનો જે દૈનિક વપરાશ 60 લાખ ક્યુબીક મીટર હતો. તે ઘટીને 17 લાખ ક્યુબીક મીટર થઈ ગયો હતો.
પરંતુ પ્રોપેન ગેસમાં તાજેતરમાં રૂ. 10થી 12નો ભાવ વધારો ઝીકાતા ઉદ્યોગો ફરી ગુજરાત ગેસ તરફ વળ્યા છે. જો કે આ સ્થિતિમાં ગુજરાત ગેસે પણ હવે ભાવ વધારો કર્યો છે. રૂ. 47.93 પ્રતિ ક્યુબીક મીટરમાં મળતો ગેસ હવે રૂ. 49.43 પ્રતિ ક્યુબીકમાં મળશે. આના ઉપર ટેક્સ પણ યથાવત સ્થિતિમાં રહેશે.