મોરબી રવાપર રોડ ખાતે આવતીકાલે સોળ સંસ્કાર સંગીત ડાયરો યોજાશે
મોરબી:સંસ્કાર’ શબ્દનો અર્થ ઘણો જ ગહન અને વિસ્તૃત છે. ‘સમ’ અર્થાત્ યોગ્ય કે સારું અને કૃ અર્થાત્ કરવું. સમગ્ર શબ્દનો અર્થ થાય છે – ‘યોગ્ય બનાવવું’, ‘સારું કરવું’. ભારતીય સંસ્કૃતિમાં આવી તો અનેક વિશેષતા રહેલી છે. ત્યારે આવતીકાલે મોરબીની જનતા માટે ‘સોળ સંસ્કાર સંગીત ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંગીતમય શૈલીમાં ભારતીય સંસ્કૃતિ અને સોળ સંસ્કારનો ચિતાર અપાશે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે રાત્રે 9.30 કલાકે મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે સોળ સંસ્કાર સંગીત ડાયરો યોજાશે. જેમાં ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલ સંગીતમય શૈલીમાં ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલકર્મ, કર્ણવેધ, ઉપનયન, વેદારંભ, સમાવર્તન, લગ્ન, વાનપ્રસ્થ, સંન્યસ્ત અને અંત્યેષ્ટિ સહિતના સોળ સંસ્કારની માહિતી પ્રદાન કરશે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન વિન્ટેલ ગ્રુપના કે.જી.કુંડારીયા દ્વારા કરવામાં આવ્યું છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલને સાંભળવા એ એક લહાવો છે. નવી પેઢી આ વિષે જાણે – સમજે અને અમલ કરે તેવી ભાવના સાથે આ તેમનો નાનો એવો પ્રયાસ હોવાનું તેમને ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન કોરોના બીમારીને ધ્યાને લઈને ફરજીયાત પણે માસ્ક પહેરીનું આવવું આવશ્યક છે. તેમ વિન્ટેલ ગ્રુપની યાદીમાં જણાવામાં આવ્યું છે.