મોરબી: રાજકારણમાં કોઈ કોઈનું નથી એ કહેવત આજ સાચી પડી છે. પક્ષને આગળ લાવવા દિવસ રાત મહેનત કરનારનું હવે ક્યાંય અસ્તિવ પક્ષમાં રહ્યું નથી તે આગામી સમયમાં મોરબીમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સાબિત કરી રહી છે. ઘણા વર્ષોથી ભાજપના બેનર હેઠળ ચૂંટાઈને આવેલા અને મોરબી ભાજપના જુના જોગી કહી શકાય તેવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ સ્નેહમિલનની આમંત્રણ પત્રિકામાં ન હોવાના કારણે કાંતિલાલના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ ચૂંટણી દરમિયાન મોટા મોટા બેનરોમાં કાંતિલાલને સાઈડ આઉટ કરવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું.

આગામી તા. 13 ના રોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ ભાજપના મહાનુભવોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને પત્રિકામાં તમામના નામ સાથે હોદાઓ પણ દર્શાવવામાં આવ્યા છે પરંતુ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન લખવામાં આવતા લાગી રહ્યું છે કે, હવે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલની પક્ષને જરૂર નથી કે શું ? હાલમાં તો મોરબી જીલ્લા ભાજપના બની બેઠેલા આગેવાનો માત્ર ફોટા પડાવવામાંથી અને ભ્રષ્ટાચારની ભાગબટાઈમાંથી જ નવરા નથી થતા ત્યારે તાજેતરના ભાજપી આગેવાનો મોરબીની પ્રજાના હૃદયસ્થ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની કેમ બાદબાકી કરી રહ્યા છે. તે અંગે શહેરમાં ચર્ચાઓ જાગી છે અને આમંત્રણ પત્રિકાને લઈને મોરબીમાં રાજકારણ ગરમાયુ છે.