જામનગરની માનસિક હોસ્પિટલના દર્દીઓ દ્વારકાધીશના દર્શને…
માનસિક આરોગ્યના દર્દીઓ તથા દિવ્યાંગોને દ્વારકા દર્શન કરાવાયા…જામનગર જિલ્લા માહેશ્વરી સભા અને હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના નેજા હેઠળ જામનગર સ્થિત માનસિક હોસ્પિટલના દર્દીઓને યાત્રાધામ દ્વારકાધીશ ખાતેના જગત મંદિરે દર્શન કરાવવામાં આવ્યા હતા. વયોવૃદ્ધ વડીલો કે અનાથ આશ્રમમાં રહેતા લોકોને વિવિધ પ્રકારની સેવા તથા ધર્મસ્થળોની મુલાકાત બાબતે અવારનવાર સેવાભાવીઓ દ્વારા સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે. પરંતુ જામનગરની હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થમાં સારવાર લેતા દર્દીઓને દ્વારકાધીશ મંદિરમાં દર્શન તથા પૂજનનો લાભ મળે તે અંગેનો ઉમદા વિચાર જામનગર જિલ્લા માહેશ્વરી સભાના બી.કે. સાબુ, રાકેશ લઢ્ઢા, દીપક માહેશ્વરી, મનોજ મણિયાર સાથે મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડાને આવતા તેમના દ્વારા આ અંગે સંબંધિત તંત્ર તથા અધિકારીઓનો સંપર્ક કરી, આ માટેની મંજૂરી સહિતની જરૂરી પ્રક્રિયા તેમજ સાવચેતી અંગેના પગલાં બાદ આશરે 20 જેટલા માનસિક દર્દીઓ તથા દિવ્યાંગ દર્દીઓને દ્વારકા ખાતે દર્શન કરાવવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.






